Ticker

6/recent/ticker-posts

આદિવાસી પરંપરા: દેવની પેઢી બદલવાનો અનોખો રિવાજ

 સંસ્કૃતિ આદિવાસી પ્રજા ધરતી, વૃક્ષો અને ધાન્ય પાકોની માતા તરીકે પૂજા કરે છે એ વાત જ અનોખી છે.

આદિવાસી પરંપરા : દેવની પેઢી બદલવાનો અનોખો રિવાજ દેવોની પેઢી બદલવાના ઉત્સવની આખું ગામ ઉજવણી કરે છે.દરેક કુટુંબ ગોત્રમુજબ પોતાના ખત્રીજના પાળિયા બદલે છે.

આપણે જેને આદિવાસી પ્રજા કહીએ છીએ એ જ પૃથ્વી પર પ્રથમ વસવાટ કરનારી  પ્રજા છે. પ્રકૃતિ સંસ્કૃતિની પૂજક આ પ્રજાએ આદિકાળથી આજ સુધીના એમના અસ્તિત્વ દરમિયાન સદૈવ પ્રકૃતિ અને સંસ્કૃતિની રક્ષા કરી છે મનથી નહીં. હૃદયથી વર્તનારી આ આદિવાસી પ્રજાએ જીવનભર સંઘર્ષરત રહીને પણ, પોતાના મૂળ અને કુળને નથી ગુમાવ્યા એમણે એમની અસ્મિતાનું ગૌરવ કરવા સાથે પોતાના અસ્તિત્વનું પણ જતન પૂરી ખેવનાથી કર્યું છે. પોતાની પરંપરાઓ અને પોતાના સંસ્કારોને સાચવવાની આદિવાસી પ્રજાની જે દઢતા છે. એ આપણા સૌ માટે ધ્યાનાકર્ષક રહી છે. એમની આવી જ એક પરંપરા એટલે દેવની પેઢી બદલવાનો એમનો પારંપરિક, સામાજિક, ધાર્મિક રિવાજ.

અંબાજીથી ઉમરગામ સુધીનો ગુજરાતનો પૂર્વીય પટ્ટો આદિવાસી બહુલ ક્ષેત્ર ગણાય છે. કહો કે અહીંની મોટાભાગની વસ્તી વનવાસી લોકોની છે. અહીં અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં વિભાજિત છતાં એક સંપથી રહેતા આદિવાસી પરિવારો પોતાના પારંપરિક રીતિરિવાજો તથા સામાજિક અને ધાર્મિક માન્યતાઓ સાથે ખૂબ જ સરળ, સાદું જીવન જીવી રહ્યાં છે.

જીવાતા જીવનની એમની આસ્થા અને એનાં અનુસરણની કેટલીક આગવી પદ્ધતિઓ આપણને આશ્ચર્ય સાથે આનંદ આપે એવી છે. એમનું કલા, સાહિત્ય, સંસ્કાર, ભાષા, ઉત્સવો, લગ્નપરંપરા, સામાજિક નિયમો, બોલી, ગીતો અને કોઠાસૂઝ તથા અનુભવથી મેળવેલ જ્ઞાન તથા વનની ઔષધિઓનું જ્ઞાન કોઇપણ અભ્યાસુને નવાઈ પમાડે એવું છે.

એમની આદિવાસી પરંપરામાં દેવની પેઢી બદલવાનો અનોખો રિવાજ છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘાદેવ ગામમાં થોડાં સમય પહેલાં દેવની પેઢી બદલવાની પરંપરા આખા ગામે એક સંપ કરી ભારે ધામધૂમથી ઉજવી હતી. આ અનોખા ઉત્સવમાં ઘોધાદેવ ગામમાં સતત દસ દિવસ સુધી બધાય ગ્રામમજનોએ ઉપવાસ કર્યો હતો. ફરાળમાં આખા ગામે માત્ર બાફેલું જમવાનું અને જમીન પર પાથરી કરી નીચે સૂવાનું વ્રત દશ દિવસ સુધી પાળ્યું હતું.

ઘોઘાદેવમાં ગામદેવની પેઢી બદલવાની વિશિષ્ટ પરંપરા ભારે ઉત્સુકતા જગાડે એવી છે. આ પરંપરામાં સૌથી પહેલાં ગામના સીમાડે બિરાજમાન કાષ્ઠમાંથી બનાવેલ કલાત્મક દેવપ્રતિકોને બદલવાનો ઉત્સવ ઊજવવાનો હોવાથી ખૂબ જ કાળજીપૂર્વક કાષ્ઠમાંથી કોતરીને નવા દેવપ્રતીકો ઘડવામાં આવે છે. ગામની સીમાએ જ્યાં દેવોનું સ્થાપન કરવાનું હોય છે, ત્યાંથી જૂના દેવપ્રતીકોને ધાર્મિક પરંપરા મુજબ આસ્થા અને સન્માન સાથે દૂર કરવામાં આવે છે. બાદમાં નવા દેવપ્રતીકો, કે જે સાગના લાકડામાંથી ઘડવામાં આવ્યા છે. એમની પૂજા કરી ખૂબ જ ધામધૂમ સાથે સામૈયા કરી સ્થાપિત કરવામાં આવે છે.

આ ઉત્સવમાં આખું ગામ ઢોલ, નગારાં, ત્રાંસા અને કરતાલના તાલે નાચતા-ગાતા આ ધાર્મિક પરંપરામાં જોડાઈ છે. સૌ પહેલાં ગામનાં ગામજનો રિવાજ મુજબ ઝોઝ ગામે ભારે હર્ષોલ્લાસ અને નાચગાન સાથે ઘોડા તથા સાધનસામગ્રી લેવા જાય છે. આ દિવસોમાં અહીં ઘોઘાદેવ ગામે ગામસાઈ પીઢી મેળો પણ યોજવામાં આવે છે. જેમાં ગ્રામજનો શ્રદ્ધાભેર ભાગ લે છે. ભારે આસ્થા સાથે દેવોનું પૂજન કરે છે અને નવા દેવની સ્થાપના કરે છે. દરેક કુટુંબ ગોત્ર મુજબ હવે પછી ભવિષ્યમાં આવો ધાર્મિક ઉત્સવ છેક સાતમી પેઢીએ મનાવવામાં આવશે. પ્રાચીનકાળથી ચાલી આવતી આ પરંપરામાં ઘોઘાદેવ ગામના ૧૨૮ જેટલા ઘરોના આશરે ૧૨૦૦ વ્યક્તિઓ ભાગ લે છે. ઉત્સવના આયોજન માટે પ્રત્યેક ઘરમાંથી સાત હજાર રૂપિયા જેવી રકમનો લોકફાળો ભેગો કરવામાં આવે છે. આ રકમ દેવની પેઢી બદલવાના ઉત્સવમાં ઉપયોગમાં લેવાય છે.


છોટાઉદેપુર જિલ્લાના જ કવાંટ તાલુકાના કરજવાંટ ગામે પણ ગામશાઈ ઇન્દ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરીને દેવોની પેઢી બદલવામાં આવે છે. અહીં પણ આ ઉત્સવ દર ૭૫ વર્ષ બાદ ઉજવીને દેવોની પેઢી બદલવામાં આવે છે. ઇન્દ્ર ઉજવણીમાં સમયાંતરે થોડો બદલાવ આવ્યાનું જણાય છે છતાં આદિવાસી યુવાપેઢી પરંપરાગત પ્રકૃતિ પૂજાને શુદ્ધ અને સાત્વિક ભાવથી કરે છે. આખું ગામ સારા વરસાદ માટે ઈન્દ્રદેવની પૂજા-અર્ચના કરી દસ દિવસ ઉપવાસ કરે છે.


છેલ્લે આશરે ૭૫ વર્ષ પહેલાં આ ગામમાં ગામસાઈ ઇન્દ કરીને ઈન્દ્રદેવની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ચાલુ વર્ષે ગામસાઈ ઈન્દ અને દેવોની પેઢી બદલવાનો ધાર્મિક ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. ગામ અગ્રણી ગજાભાઈના ડાળો લાવ્યા બાદ અખાડાની જણાવ્યા મુજબ તેઓ તેમના પૂર્વજોની ખત્રીજ રૂપે પૂજા કરે છે. પૂજા માટે પૂર્વજોના પાળિયા સાગના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. આ પાળિયાઓને પાધડી અને ધોતી પહેરાવવામાં આવે છે. વર્ષો જતાં લાકડાના પાળિયાનું લાકડું કોહવાઈ કે સડી જતું હોવાના કારણે ફરીથી નવા પાળિયા બનાવવામાં આવે છે. વિસર્જન કરવામાં આવે છે. પાળિયા બદલવાના આ રિવાજને જ દેવોની પેઢી બદલવી કહેવામાં આવે છે. આદિવાસી પ્રજા વનવાસી હોવાના લીધે એમના દેવોની મૂર્તિ કે પ્રતીક મોટેભાગે સાગના લાકડામાંથી બનતા હોય છે. આથી અમુક વર્ષો બાદ એને બદલવામાં આવે છે. દેવોની પેઢી બદલવાના ઉત્સવની આખું ગામ ઉજવણી કરે છે. 

   સમૂહમાં એક જગ્યાએ એકત્ર થઈ ઈન્દ્રદેવના જવારાની એક ચોક્કસ જગા પસંદ કરી વાવણી કરે છે. પસંદ કરાયેલ આ જગાને અખાડો કહેવામાં આવે છે. આ સ્થળ પર પાટલા ઉપર ઈન્દ્રદેવની સ્થાપના કરવામાં આવે છે. ગામના પટેલ-પૂજારીના ઘરમાં પણ જવારા વાવી પાટલાપૂજન કરવામાં આવે છે. ગામ આખું એકઠું થઈ ફૂલજાતર માતાનું સ્થાપન કરે છે. ફૂલજાતર માતા પણ પ્રકૃતિની પૂજાનો જ એક પ્રકાર છે. દરેક ધાન્યપાકોને ફૂલ આવે છે એટલે એની પૂજા કરવામાં આવે છે.આદિવાસી પ્રજા માને છે કે, જો ધાન્યપાકો કે વૃક્ષ ઉપર ફૂલ ન આવે તો પાક કે ફ્ળ ન પાકે. એટલે જ આ પ્રજા ફૂલોને જ માતા માની એની પૂજા કરે છે. આદિવાસી પ્રજા ધરતી, વૃક્ષો અને ધાન્યપાકોની માતા તરીકે પુજા કરે છે એ વાત જ અનોખી છે. તેઓ ઇન્દ્રદેવને વર્ષાઋતુના દેવ  માની તેની પૂજા કરે છે. પૂજાના દિવસે સાંજ સમયે ઢોલ નગારાંના તાલે જંગલમાંથી કરમના ઝાડ ઉપરથી ડાળો કાપીને લાવે છે. ઝાડ પરની ડાળ એક જ ઝાટકે કાપેલી હોવી જોઇએ અને એ ડાળને જમીન ઉપર પડતા પહેલાં જ ઝીલી લેવાની હોય છે. જમીન ઉપર પડી ગયેલી કે એક ઝાટકે ન કપાયેલ ડાળ પૂજામાં વપરાતી નથી. ડાળો લાવ્યા બાદ અખાડા બહાર એની રોપણી કરવામાં આવે છે. સાથે કેળ-શેરડીની પણ રોપણી કરવામાં આવે છે. પૂજા માટે ફુલડીમાં ગોળનું પાણી ભરી ભીડીના બંધ્યામાં વડા કે ઢેબરા પરોવીને બાંધવામાં આવે છે. સવારે પાંચેક વાગ્યે ડાળાઓનું વળામણી કરી વાજતે ગાજતે ગામની બહાર નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.

આ ઉત્સવ દરમિયાન કરજવાંટ ગામના લોકો દસ દિવસ એકટાણામાં માત્ર મીઠા વગરના બાફેલા ભાત લે છે. કોઇ જ ઘરમાં તેલનો વધાર થતો નથી. બાફેલા ભાત સાથે મરચું-તેલ ખાવાની છૂટ આપવામાં આવે છે. આમ, અનોખી કહી શકાય એવી રીતથી વનવાસી પ્રજા પોતાના દેવની પેઢી બદલવાનો રિવાજ ઉજવે છે.



Post a Comment

0 Comments