Ticker

6/recent/ticker-posts

બિહારના એક નાનકડા ગામની છોકરી યુનિસેફની 'સ્ટાર ગર્લ' કેવી રીતે બની ?

 

ગામડાના એક ગરીબ ઘરની છોકરી ‘હની ગર્લ’ બની ગઈ. એનું નામ છે અનિતા.લોકો એને ‘હનીગર્લ’ તરીકે ઓળખે છે.વિશ્વની જાણીતી સંસ્થા યુનિસેફએ તેને સુપર સ્ટાર ગર્લ તરીકે પસંદ કરીકેલેન્ડરમાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. અનિતા સ્ત્રીસશક્તીકરણનો પર્યાય બની ગઈ છે. તેનો જન્મ મુઝફ્ફરનગરના નાનકડા ગામમાં રહેતા એક મજદૂર પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ જનાર્દનસિંહ. 

પછાત જાતિમાં જન્મેલી અનિતા કુશવાહા બાળપણમાં બકરીઓ ચારવા માટે જતી હતી. તેના પિતા ઇચ્છતા હતા કે અનિતા એમની બિરાદરીની અન્ય છોકરીઓ જેવું જ જીવન ગુજારે. પરંતુ અનિતાના મનમાં બીજું જ કાંઈ હતું. તે બધાથી કાંઈ અલગ જ કરવા માગતી હતી. તે દ્દઢ ઇચ્છાશક્તિ અને મજબૂત ઈરાદા ધરાવતી હતી. એનાં માતા-પિતા પુત્રીને સ્કૂલમાં મોકલવા જ માંગતા નહોતા પરંતુ અનિતા ભણવા માગતી હતી. એણે એક સ્થાનિક શિક્ષકની મદદ લઈ તેના માતા-પિતા એને ભણવા સ્કૂલમાં જવા દે તે માટે રાજી કરી લીધાં. માતા-પિતા એને ભણાવવા તૈયાર થયા તેનું એક કારણ એ હતું કે ગામની સ્કૂલમાં પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ મફત હતું. 

માતા-પિતા પાસે એને ભણાવવા માટે પૈસા નહોતા. એ સિવાયના ખર્ચ માટે અનિતાએ અન્ય બાળકોને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. તેમાંથી જે આવક થાય તેમાંથી ભણવા ઉપરાંત ખર્ચની રકમ મેળવી લેતી. ગામમાં લીચીના બગીચા હતા.એ કારણે ગામમાં મધમાખી પાળવાવાળા લોકો પણ આવતા. અનિતા કોઈવાર એ બગીચાઓમાં જતી અને મધમાખી પાળવાવાળાઓને મદદ પણ કરતી. એમ કરતાં કરતા થોડાંજ દિવસોમાં એણે મધમાખી પાળવાનું શીખી લીધું ! અનિતાના દિલમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ હતી. તે ગરીબ હતી પરંતુ મહેનત કરીને પૈસા કમાવા માગતી હતી. 


અનિતાએ માત્ર શોખ ખાતર નહીં પરંતુ મધમાખી પાળવાની કામગીરીને પૂર્ણકાલીન વ્યવસાય તરીકે અપનાવી લીધી. એ કામમાં એણે કુશળતા હાંસલ કરી લીધી.કેટલીયેવાર મધમાખીઓ તેને કરડી ગઈ. તેનું મોં સૂઝી જવા લાગ્યું. કેટલીયે વાર તે બીમાર પડી ગઈ. આ કારણે તે સ્કૂલમાં પણ જઈ શકતી નહીં. એની સખીઓ એની મશ્કરી કરતી. એ કહેતી: ‘અલી અનિતા, આ કામ તો પુરુષોનું છે!’ અનિતા કહેતી : ‘એવું કોઈ કામ નથી જે આ જગતમાં સ્ત્રી ના કરીશકે.’એની સખીઓ પૂછતીઃ ‘અનિતા,તું લગ્ન કરી લે. આપણી જ્ઞાતિમાં તો બધી જ છોકરીઓ પરણી ગઈ.’અનિતા કહેતી: ‘પહેલાં મને કમાતા શીખી લેવા દો. એ પછી જ લગ્ન કરીશ.’અને અનિતાની વાતો સાંભળી એની સખીઓ અને આખું ગામ તેનો ઉપહાસ કરતાં. ઘણીવાર મધમાખીઓના કરડી જવાથી તેનું મોંફૂલી જતું અને એવા મોને લઈને પણ તે બગીચામાં જતી. અનેક લોકોએ તેને મધમાખીઓને પાળવાનો ધંધો છોડી દેવા કહ્યું. પરંતુ અનિતા હિંમત હારી નહીં. બાળકોને ભણાવવાથી એને જે રકમ મળતી હતી તેમાંથી એની પાસે હવે પાંચ હજાર રૂપિયાની બચત હતી. એણે એની માતા રેખાદેવી પાસેથી થોડા પૈસા લઈ એમાં ઉમેરી મધમાખીઓના બે બોક્સ અને બે રાની મધમાખીઓ લઈ પોતાનો આગવો વ્યવસાય શરૂ કર્યો. તે હવે કમાવા લાગી. સમય જતાં એણે એના પિતાને પણ મજદૂરી છોડાવીને મધમાખી પાલનના કામમાં જોતરી દીધા.થોડાક જ મહિનાઓમાં તેને સારો નફો થયો. હવે તેની પાસે ઠીક ઠીક પૈસા હતા. ઘરમાં જરૂરી વાસણો અને જે ચીજોની આવશ્યક્તાઓ હતી તે વસાવી દીધી. અનિતાએ એના પિતાને મધમાખીઓના બોક્સ લઈ અન્ય રાજ્યોમાં મધ વેચવા મોકલવા માંડ્યા. હવે આવક પણ વધવા લાગી. ધીમે ધીમે તે ધંધો વિકસાવતી ગઈ. હવે તે મધમાખીઓના પાળવાના ધંધામાં સંપૂર્ણ નિષ્ણાત બની ગઈ. અલબત્ત, એમ કરતાં કરતાં પણ એણે ભણવાનું ચાલું રાખ્યું. સ્કૂલનું ભણતર પૂરું કરી તે કૉલેજમાં ગઈ. બી.એ. થયા બાદ તે એમ.એ. પણ થઈ.અનિતા કુશવાહા આજકાલ વર્ષે રૂ. સાડા ચાર લાખની કિંમતનું મધ વેચે છે. અનિતાની આ સફળતા જોઈ ગામની બીજી મહિલાઓ પણ તેની તરફ આકર્ષિત થઈ. એ બધા માટે અનિતા એક રોલ મોડેલ બની ગઈ.અનીતાની સફળતા જોઈ મહિલાઓએ પણ તેનું અનુકરણ કર્યું. અનિતાએ ગામની અનેક મહિલાઓને મધમાખી પાળવાના વ્યવસાય માટે જાગૃત કરી. 

આજે એના ગામમાં અને આસપાસના અનેક ગામોમાં સાખ્યાબંધ મહિલાઓ મધમાખી પાળવાનો ધંધો અપનાવી આત્મનિર્ભર બની ચૂકી છે. એટલું જ નહીં પરંતુ ગામની નાની નાની છોકરીઓ જે સ્કૂલમાં જવાના બદલે બકરીઓ ચરાવવા જતી હતી તે પણ હવે અનિતાના પગલે પગલે સ્કૂલમાં જવા લાગી. અનિતાની સફળતાની ખ્યાતિ દિલ્હી સુધી પહોંચી ગઈ. ગોઇંગ ટુ સ્કૂલવાળા દિલ્હીનાં અમીના કીડવાઈએ અનિતાની મુલાકાત લીધી. ગામડાની આ છોકરીની સફળતા જોયા બાદ તેઓ અનિતાને અમેરિકામાં ‘ગર્લ ઇફેક્ટ’ નામના સંગઠનના કાર્યક્રમમાં લઈ ગયા. જ્યાં અનિતાએ આખી દુનિયા સમક્ષ તેના મધમાખીના ધંધાના પ્રયોગની સફળતાનું વર્ણન કર્યું. એણે આ વ્યવસાય શરૂ કરતાં પહેલાં નડેલી મુશ્કેલીઓનું અને આત્મવિશ્વાસનું પણ વર્ણન કર્યું. નાની વયે જ એણે કરેલા સંઘર્ષ પછી તે એક એવા મુકામ-મંઝિલ પર પહોંચી કે જેના કારણે તે આખા કોર્પોરેટ જગત પર છવાઈ ગઈ. ગામની પગદંડીઓ પર ચાલીને આગળ વધેલી એની કામિયાબીની કહાણી હાઈટેક થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફએ તેને સુપર સ્ટાર ગર્લ તરીકે પસંદ કરી. કેલેન્ડરમાં પ્રથમ પાને સ્થાન આપ્યું.

 હવે તે ૩૧ વર્ષની છે. યુનિસેફની સ્ટાર ગર્લ અનિતા કુશવાહાને રાજેન્દ્ર કૃષિયુનિવર્સિટીએ ‘હની ગર્લ’ની પદવી આપી. આસપાસના ગામોમાં તે બડી મા’ તરીકે જાણીતી છે. મધમાખી પાળવાના ક્ષેત્રમાં નાની વયે જ સિદ્ધિ હાંસલ કરનાર અનિતાને યુનિસેફએ પણ બિરદાવી છે. અનિતા આસપાસના કુપોષિત બાળકોના ઘેર જઈ તે બાળકોની સારસંભાળ રાખવાનું કાર્ય પણ કરી રહી છે. મુઝફ્ફરનગરની આ દીકરી પર માત્ર બિહારને જ નહીં પરંતુ આખા દેશને ગર્વ છે.ગાંધીજીએ પણ આ દેશના લોકોના તેમના ગૃહઉદ્યોગો અને પરંપરાગત વ્યવસાય જાળવી રાખવાની સલાહ આપી હતી.આંખોમાં સ્વપ્ન હોય અને કાંઈ બતાવવાની તમન્ના હોય તો કાંઈ જ અસંભવ નથી.




Post a Comment

0 Comments