Ticker

6/recent/ticker-posts

સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાના લોકજીવનના વણેલા મોતીઓમાથી કેટલીક અપ્રસ્તુત આત્મકથા.

  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાના લોકજીવનના વણેલા મોતીઓમાથી કેટલીક અપ્રસ્તુત આત્મકથા.

આજરોજ અમારે નાનકડો પણ શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ અને લાગણીશીલ એવા વ્હોરા સમાજ ચીખલીના આમંત્રણ પર એમના ધર્મગુરુ ડો.સૈયદના મુફ્ફદલ સૈફુદીનજીના 80 મા જન્મદિવસની ઉજવણી અને રમઝાન માસની મોટી રાતનાં પ્રસંગ નિમિત્તે ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાહેબની સાથે જવાનું થયું.ખુબ જ માયાળુ લોકો દ્વારા ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું.ઘણીબધી લાગણીશીલ ચર્ચાઓ અને ઘણીબધી બૌદ્ધિક સમાજોપયોગી તાર્કિક વાતો જાણવા મળી.એક વાત નોંધનીય રહી છે,ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાથે ઘણા વખતથી સાથે ફરવા છતાં કોઈ દિવસ પોતાના વિશે કોઈની આગળ બહુ વાતો કરતા હોતા નથી.પણ આજે સમાજલક્ષી ચર્ચાઓ એટલી સુંદર નીકળી કે એમના મોઢે અમને પણ સુંદર વાતો જાણવા મળી જે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.

1) વડોદરા મેડિકલ કોલેજમાં અભ્યાસ દરમ્યાન એમણે નક્કી કરેલુ કે સામાજિક જવાબદારીનાં ભાગરૂપે જિંદગીમાં ડોક્ટર બન્યા પછી નોકરી કરતા કરતા એક બાળકને ભણાવવાનો સંપૂર્ણ ખર્ચ કરવાનો ઉઠાવીશ.તો એક બાળકને એમણે ભણાવવાનું ચાલુ કર્યું.તે દરમ્યાન એક ધોરણ 9 મા ભણતી એક બાળા જેને ટીબી હોવાને લીધે સાથે કોઈ આવતું નહીં અને એકલી જ સારવાર લેવા આવતી.બાળકી ભણવામાં ભારે હોશિયાર.10મા ધોરણમાં શાળામાં પ્રથમ.હવે બાળકીએ જીદ પકડી કે હું તો 11 સાઇન્સમા  જ પ્રવેશ લેવાની.ભાંગ્યાતૂટ્યા ઘરમાં સામાનનાં નામ પર 2 ગાય,એક માટલું,એક ગોદળું અને થોડાઘણા વાસણ.બાળકીની માતાએ લાચારીવશ ભણતર છોડવા કહ્યું પણ બાળકી ટસ ની મસ નહીં થઇ અને મમ્મીને કહે કે ગાય વેચી નાંખ પણ હું તો ભણીશ જ.બાળકીએ અથાગ મહેનત કરી,11-12 મા પણ પ્રથમ નંબર મેળવ્યો.ઘરમાં પાછી કશમકશ ચાલુ.મમ્મી કહે દિકરા તું હવે ભણવાનું માંડી વાળ.પણ દિકરી જિદ્દી કે ની મમ્મી હું તો ભણીશ જ.બીજી ગાય પણ વેચી નાંખ.મમ્મીએ નિષાશો નાંખતા કહ્યું કે દિકરા જમીન તો છે ની અને એક જ ગાય છે તે વેચી નાખીશું તો આપણે ખાઈશું શું.!પણ દિકરી એક ની બે નહીં. આખરે આવકના અંતિમ સ્ત્રોત સમાન બીજી ગાય વેચવા કાઢી અને એ વાત પહોંચી ડો.પ્રદીપભાઈના કાને.આથી પોતાની ટીમ સાથે પહોંચ્યા બાળકીના ઘરે.ત્યા જઈને જોયું તો ગરીબી હાલ્લાં કુસ્તી કરે.એક જ માટલું એમાંથી પોતાની ગરીબીને દોષ આપતાં આપતાં માંડ એક જ ગ્લાસમાંથી બધા આગંતુંકો પાણી પીવડાવ્યું અને નાસ્તો ચા નો તો પ્રશ્ન જ ક્યાંથી આવે.આ બાળકીને ડો.પ્રદીપભાઈ અને એમની ટીમે ભેગા કરેલા લોકફાળામાંથી ભણાવી અને એ બાળકી આજે વર્ગ 2 અધિકારી બની પોતાની જિંદગી સ્વમાનભેર જીવી રહી છે.ત્યારબાદ ડો.પ્રદીપભાઈ અને સમસ્ત આદિવાસી સમાજની ટીમ "ઉત્થાન" પ્રોજેક્ટ હેઠળ આવા બાળકી જેવા 427 બાળકોની જિંદગીમાં 42 લાખથી વધુની રકમ ખર્ચીને આતમના અજવાળા પાથરી ચુકી છે.

રસપ્રદ કિસ્સો નંબર 2-"ઉત્થાન" પ્રોજેક્ટ મા જેટલું દાન આદિવાસી સમાજ તરફથી મળ્યું એટલું જ દાન બિનઆદિવાસી સમાજ તરફથી પણ મળ્યું છે.એક દિવસ એક વ્યક્તિ આવીને કોઈપણ જાતની વાતચીત વગર ડો.પ્રદીપભાઈ ના હાથોમાં અમુક રકમનો ચેક આપી દે છે,તો ડો.પ્રદીપભાઈ પણ થોડા આશ્ચર્યચકિત થાય છે અને રકમ આપવા પાછળનું કારણ જાણવા માંગે છે તો એ વ્યક્તિ કારણ જણાવતાં કહે છે કે હું નાનો હતો ત્યારે ડુંગરાળ પ્રદેશમાં રહેતો અને પરિસ્થિતિ એટલી નબળી કે ભણવાનો તો પ્રશ્ન જ ની આવે એટલે હું બકરી ચારતો.મારા મિત્રો શાળાએ જતાં તો એલોકોને હું પૂછતો કે શાળાએ જાય તો ભણવામાં બકરી ચરાવવા કરતા પણ વધારે મજા આવે કે? તો મિત્રો કેઈ હા બો મજા આવે.શું કરાવે ત્યા?તો મિત્રો કેઈ ભણાવે, ગીતો ગવડાવે,રમાડે બધું જ કરાવે.બકરી ચારનાર બાળક-ભણવા માટે શું જોઈએ?

મિત્રો-પાટી(સ્લેટ)-પેન-પુસ્તક.

બાળક મૂંઝાયું કે આ બધું તો ક્યાંથી લાવવું?એમ કરતા થોડા દિવસો વીતી ગયા.એટલામાં એક મિત્ર ખુશ ખુશ થતો બકરી ચારનાર બાળકને કેઈ કે રમતા રમતા સ્લેટ ભાંગી ગઈ તો હું તો નવી સ્લેટ લાવ્યો.બકરી ચારનાર બાળક(કુતુહલવશ) તો પેલી પાટીનું શું કર્યું?મિત્ર-એનું તો શું કરવાનું એ તો છે એમ જ ટુકડા થઈને ઘરના ખૂણામાં પડી.બકરી ચારનાર બાળક(સંકોચસહ મિત્રને)-હે તો તું મને પેલો ટુકડો આપશે કે? મિત્ર- અરે એમાં શું લઇ જા ને.

જ્યારે પેલો સ્લેટનો તૂટેલો ટુકડો બકરી ચારનાર બાળકના હાથમા આવે છે ત્યારે બાળક ટુકડો માથા પર મૂકીને નાચે છે અને બીજા દિવસે સૌથી પહેલા નિશાળે જઈ તૂટેલી સ્લેટનો ટુકડો ટેબલ પર મૂકી દઈને શિક્ષકને ઉત્સાહભેર નિર્દોષભાવે હુકમ કરે છે કે ગુરુજી મને પણ ભણાવો.શિક્ષક પહેલા તો બાળકનું વર્તન જોઈ થોડા ચોંકે છે અને બાળક પાસે આખી કહાની સાંભળે છે.આથી શિક્ષક પણ બાળકની સામે અનિમેષ નિહારી રહે છે અને એની ભણવાની પ્રબળ જીજીવિષાને ખુશીઓથી વધાવી લે છે અને ભણતરમાં મદદરૂપ થાય છે અને એ બકરી ચારનાર બાળક આગળ જતાં ભણીગણીને ડાંગના ડુંગરો માંથી કચેરીનો કિંગ એટલે કે વર્ગ 1 અધિકારી બની જાય છે અને આ આખી વાતનું વર્ણન કરતા કરતા ભાવુક બને છે અને ડો.પ્રદીપભાઈને કહે છે કે ગરાસિયાસાહેબ આ રકમમાંથી મારા જેવા બાળકો ભણીગણીને આગળ આવશે તો મને ખુબ આનંદ થશે.

આવી તો કઈ કેટલીય સુંદર ચર્ચામાં જોડાવાનો મોકો મળ્યો અને બધી વાતો એકમેકથી ચડિયાતી હતી.પરંતુ આ 2 સૌથી શ્રેષ્ઠ કિસ્સાઓ  લખતા મારી જાતને રોકી શક્યો નહીં જે તમારી સમક્ષ મુક્યા છે.

પ્રસ્તુત લેખ : 

ડો.નિરવ ભુલાભાઇ પટેલ.

સર્જન કમ સંચાલક

ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશ્યિલિટી હોસ્પિટલ,ખેરગામ.

Post a Comment

0 Comments